Shri Veljibhai Matiya, A DharmGuru of Maheshwari Samaj heavenly abode as he did own dealth forecast 15 days ago. #jaymatiyadev

(1) Akila News Rajkot : https://m.facebook.com/story.php?story_fbid=161513251040661&id=100015459600956
(2) Maa Ashapura News, Bhuj : https://www.youtube.com/watch?v=2nzaM2rRCow
(3) Kutch Khabar News : http://www.kutchkhabar.com/vishesh/matiya-guru-proves-his-prophecy-in-mundra-1350

વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં કોઈકને પોતાના દેહત્યાગનું સ્વપ્ન આવે..ને એ સાચું ઠરે..પહેલી નજરે તો આ વાત કોઈ માની જ ના શકે. પણ, મામૈદેવની આગમવાણીને આધુનિક યુગમાં પણ યથાર્થ માનતાં મહેશ્વરી-મેઘવાળ સમાજના 82 વર્ષિય ધર્મગુરૂ વેલજીભાઈ મતિયાએ પોતાના દેહત્યાગની કરેલી આગમવાણીને યથાર્થ ઠેરવી નશ્વર દેહનો સ્વાભાવિક રીતે ત્યાગ કરી કચ્છ જ નહીં સમસ્ત વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. ચોથના દિવસે પોતાનો દેહત્યાગ થવાનો છે તેવું તેમને સ્વપ્ન આવેલું. પોતાના આ સ્વપ્નને ટાંકી ચોથના દિવસે પોતાનો દેહત્યાગ થશે તેમ તેમણે જાહેર કર્યું તો શરૂઆતમાં કેટલાંક લોકોએ તેને માનવા ઈન્કાર કરી દીધેલો. ખુદ મહેશ્વરી સમાજનાં જ કેટલાંક આગેવાનો પણ આ બાબતને લઈ અવઢવમાં મુકાયાં હતા. વેલજીભાઈ મતિયા એ બાબતે અસ્પષ્ટ હતા કે તેમનો દેહત્યાગ ચોક્કસ કઈ ચોથના દિવસે થશે? ક્યારેક તેમને લાગતું ચૈત્ર વદ ચોથના દિવસે તેમનો દેહત્યાગ થશે તો ક્યારેક તેમને ભાદરવા મહિના સુધીની કોઈપણ ચોથે પોતાનો દેહત્યાગ થશે તેમ લાગતું. તેમના પિતાનો ભાદરવા ચોથના દિને દેહત્યાગ થયો હતો. તેમના દેહત્યાગની વાતને આધુનિક શિક્ષિત પેઢીએ હસી કાઢતી હતી. જો કે, મામૈદેવની આગમવાણીને અનુસરતાં મહેશ્વરી-મેઘવાળ સમાજનાં લાખ્ખો ભક્તોને મનમાં ઊંડે ઊંડે એવી શ્રધ્ધા હતી કે ધર્મગુરૂનું સપનું પોકળ તો ના જ હોય. તેમના દેહત્યાગની વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાંથી લાખ્ખો અનુયાયીઓ ધર્મગુરૂના દર્શનાર્થે ઉમટવા માંડ્યા હતા.

આજે ચૈત્ર વદ ચોથ હોઈ વહેલી સવારથી જ મુંદરાના બારોઈમાં તેમના નિવાસસ્થાને દસ હજારથી વધુ અનુયાયીઓ તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યાં હતા. વેલજીભાઈએ આજે મૌનવ્રત પાળ્યું હોઈ કોઈની સાથે વાત ન્હોતા કરતા. તેઓ સ્વસ્થ ચિત્તે બેઠા હતા અને ભક્તો-અનુયાયીઓને દર્શન-આશિર્વાદ આપતા હતા. આ પ્રસંગે હવનનું પણ આયોજન કરાયું હતું. અગણિત ભક્તો ઉમટવાના હોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા મુંદરા પોલીસે પણ ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તો, વેલજીભાઈની વાતને પહેલાંથી જ“અંધશ્રધ્ધા” “અફવા” અને “ગતકડું” માનતી રાજકોટની જનવિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ તેમની ટીમ સાથે વેલજીભાઈની મુલાકાતે આવ્યાં હતા. પરિવારજનોએ તેમની સમક્ષ પણ એ જ બાબત દોહરાવી હતી કે વેલજીબાપા ચોથના દિવસે જ દેહત્યાગ કરવાના છે તે હકીકત છે. પણ તે આજની ચોથથી લઈ ભાદરવા સુધી આવતી કોઈપણ ચોથ હોય. પણ, અંતે તે ચોથ આજની જ નીકળી..સાંજે બરાબર 6 અને 5 મિનિટે સહજભાવે તેમના આત્માએ નશ્વર દેહનો ત્યાગ કરી દીધો…ભક્તો બસ ગુરૂદેવને જોતાં રહ્યાં….ને પછી ચોતરફ ગુંજી ઉઠ્યો જય મતિયાદેવનો નાદ…આ નાદ હજુ પણ ગુંજી રહ્યો છે..આખી રાત ગુંજશે…

વક્રતા તો જૂઓ કે, જનવિજ્ઞાન જાથાના કાર્યકરો તેમની મુલાકાત લઈ પરત રાજકોટ રવાના થઈ ગયાં. વેલજીબાપાની જાહેરાતને અંધશ્રધ્ધા ફેલાવતું ગતકડું ગણાવી જાથાએ માધ્યમોને ઘટનાને વખોડતી પ્રેસનોટ સુધ્ધાં મોકલી આપી..પણ, વેલજીબાપાએ સહજપણે દેહનો ત્યાગ કરી સાબિત કરી દીધું કે તેમની આગમવાણી યથાર્થ હતી. તેમણે પોતાનો દેહ ત્યાગીને આપોઆપ એ સાબિત કરી દીધું કે પોતાના દેહત્યાગની ભવિષ્યવાણી અંધશ્રધ્ધાને પોષણ આપનારી નહીં પરંતુ લાખ્ખો ભક્તોની ધર્મ તેમજ ગુરૂ પરની શ્રધ્ધાને ઓર સુદ્રઢ બનાવનારી હતી.

આજે સવારથી જ હજારો ભક્તો તેમને મળવા આવતા હતા. સાંજે સવા પાંચ વાગ્યે મુંદરાના પત્રકાર અશ્વિન ઝિંઝુવાડીયા પણ તેમની મુલાકાત લેવા ગયા હતા. અશ્વિનભાઈએ તેમને નમસ્કાર કરી તેમની સાથે દસેક મિનિટ વીતાવી હતી. અશ્વિનભાઈએ કહ્યું કે, વેલજીભાઈ અત્યંત સ્વસ્થતાથી બેઠાં હતા. તેમને નમન કરનારાં અનુયાયીઓને આશિર્વચન આપતા હતા. પોતે તેમને મળી ઘેર પહોંચ્યા ને ત્યાં જ તેમના દેહત્યાગની વાત જાણવા મળી. બેઘડી તો આ વાત તે માની શક્યા નહોતા. મુંદરાના પીએસઆઈ એમ.બી.પરમારે જણાવ્યું કે, “તેમના દેહત્યાગ સમયે પોતે તેમની સમક્ષ બેઠા હતા. પાંચ મિનિટ પહેલાં તો તેમણે હાથ મિલાવ્યો હતો. અત્યંત સ્વસ્થ જણાતાં હતા..ને એકાએક બસ તે ઢળી પડ્યાં. જોયું તો શ્વાસ છૂટી ગયો હતો..”વેલજીભાઈને આજે મળનારાં પ્રત્યેક જણને લગભગ આવો જ એકસરખો અનુભવ થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે આખી રાત જ્ઞાનકથન થશે. ભક્તો તેમના દેહના દર્શન કરી શકશે. આવતીકાલ સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાન બારોઈથી તેમની પાલખીયાત્રા નીકળશે. જે મુંદરા પહોંચી લુણીના ગણેશ મંદિરે પહોંચશે. લુણીથી બપોરે 12 વાગ્યે તેમની પાલખીયાત્રા અંજારના ખંભરા તરફ પ્રયાણ કરશે. અહીં સાંજે પાંચ વાગ્યા બાદ ધર્મગુરૂની દફનવિધિ કરાશે. સમાધિસ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. આવતીકાલે તેમની પાલખીયાત્રામાં કચ્છ ઉપરાંત રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર સહિત દેશભરમાંથી અગણિત અનુયાયીઓ અંતિમ દર્શને ઉમટી પડવાની ધારણા છે.

હજારો વર્ષ પૂર્વે ધણી માતંગદેવે બારમતી પંથની સ્થાપના કરી હતી. બિહારમાં જન્મેલાં માતંગદેવ વિચરણ કરતાં કરતાં કચ્છ-સિંધ પ્રાંતમાં સ્થાયી થયા હતા. તેમણે અસ્પૃશ્ય દલિતોને સંગઠિત કરી તેમના ઉધ્ધાર કર્યો હતો. તેમણે પૂરેલાં પરચાઓથી પ્રભાવિત થયેલાં કચ્છના જાડેજાઓએ તેમને ધર્મગુરૂ માન્યાં હતા. માતંગદેવના પુત્ર લુણંગદેવ. લુણંગદેવના પુત્ર માતૈદેવ. માતૈદેવના પુત્ર એ મામૈદેવ કે જેમણે નોસ્ત્રાદેમસની જેમ અનેક ભવિષ્યવાણી કરી હતી. ગેયસ્વરૂપમાં રચાયેલી તેમની આગમવાણીના અનેક અંશો સત્ય ઠરેલાં છે.

ગુગલ ગુરૂને માનતી આજની પેઢી માટે આ બનાવ ચમત્કારથી કમ નથી. કોઈક કહેશે કે આ યોગાનુયોગ હોઈ શકે છે. પણ…પોતાના મોતની ભવિષ્યવાણી કરવી અને તે જ દિવસે સહજપણે સૌની હાજરીમાં દેહત્યાગ કરી દેવો તે ‘યોગાનુયોગ’થી કંઈક વિશેષ વિચારવા મજબૂર કરે છે.

 

Leave A Comment

Please enter your name. Please enter an valid email address. Please enter message.